મહારાષ્ટ્ર સરકારે એક નવું શહેર વસાવવાની મંજૂરી પર મહોર મારી દીધી છે. નવું શહેર મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) થકી મુંબઈથી જોડાયેલું હશે. ત્રીજા મુંબઈ તરીકે ઉભરી રહેલા પનવેલ, ઉરણ તાલુકાના 23 ગામોમાં 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવશે. સિડકોએ નૈના ક્ષેત્રના આ 23 ગામોના હાઈટેક ડેવલપમેન્ટ માટે આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ ટેન્ડર બહાર પડાશે.

નૈના ક્ષેત્રમાં ટીપીએસ યોજના 1થી 12 હેઠળ રોડ નેટવર્કના નિર્માણ માટે રસ્તાઓ પરથી દબાણો હટાવાશે. રસ્તાઓ પર સિંગ્નલ સિસ્ટમ, ચાર રસ્તા ન આવે તેમજ સીધેસીધો રોડ બને તેનું વિશેષ ધ્યાન રખાશે. જ્યાં જરૂર પડશે ત્યાં ફ્લાઈઓવર અથવા અંડરપાસ બનાવાશે. આને ધ્યાને રાખી સિડકો ચાર રસ્તા અને સિગ્નલ વગરની હાઈટેક ડિઝાઈનથી રસ્તો બનાવશે.

હાલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથકનું કામગીરી પ્રગતિ પર છે. સિડકો નૈના યોજના હેઠળ વિમાની મથકના મધ્યમાં આવેલા પનવેલ, ઉરણ તાલુકામાં 23 ગામોનો વિકાસ કરશે. આ ક્ષેત્ર ત્રીજા મુંબઈ તરીકે પણ ઓળખાશે. રાયગઢ સિડકો નૈના યોજના હેઠળ આગામી સમયમાં પેણ, ખાલાપુર, કર્જત વિસ્તારનો વિકાસ કરશે. પ્રથમ તબક્કામાં પનવેલ અને ઉરણ તાલુકાના માત્ર 23 ગામોને સામેલ કરાયા છે.