પાકિસ્તાનમાં ચુંટણી પ્રચારનો માહોલ ધીમે ધીમે જામી રહયો છે. વિદેશમાં દેશવટો ભોગવતા પૂર્વ પીએમ નવાઝ શરીફે પાકિસ્તાનમાં આવીને ચુંટણી પ્રચારમાં ઝંપલાવી દીધું છે. ૨૦ ડિસેમ્બરના રોજ નવાઝ શરીફ પાર્ટી કેડરને સંબોધતા ભારતના વખાણ કર્યા હતા. શરીફે જણાવ્યું હતું કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને પાકિસ્તાન હજુ પણ જમીનથી ઉપર આવી શકયું નથી. અગાઉ ૧૯ ડિસેમ્બરના રોજ નવાઝ શરીફે પાકિસ્તાનની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા કબૂલ્યું હતું કે આના માટે ભારત કે અમેરિકા જવાબદાર નથી.પાકિસ્તાનના હુકમરાનોએ જ દેશની આવી બુરી સ્થિતિ કરી છે. પાકિસ્તાનના જનરલ ઇલેકશનમાં નવાઝ શરીફનો સત્તા પક્ષ મુસ્લિમ લીગ અને સહયોગીઓ સત્તા જાળવી રાખવા લોકોને રીઝવવા પ્રયાસ કરી રહયા છે.
નવાઝ શરીફ ખૈબર પખ્તુનખ્વામા મનસેહરા ક્ષેત્રમાંથી ચુંટણી લડી શકે છે. નવાઝ શરીફ વિદેશમાં હતા તે દરમિયાન પાકિસ્તાનમાં થયેલા સત્તા પલટામાં તેમના ભાઇ શાહબાઝ શરીફ વડાપ્રધાન પદ સંભાળે છે. ઇમરાનખાને અમેરિકા અને પાક સૈન્યની નારાજગીથી સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. ઇમરાનખાન આર્થિક ગુના અને ગેરરીતિના કેટલાક કેસોમાં જેલવાસો ભોગવી રહયા છે. પોતાને મળેલી સરકારી હોદની ગિફટો અને આવક છુપાવવી ભારે પડી છે.
૫ ઓગસ્ટના રોજ ઇમરાનખાનને ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે પાકિસ્તાનના ચુંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કસૂરવાર ગણીને પાંચ વર્ષ સુધી ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકયો હતો. જો કે ઇસ્લામાબાદ હાઇકોર્ટે ૩ વર્ષની જેલની સજા અને ચુંટણી લડવાના ચુકાદાને ફગાવી દેતા ઇમરાનખાન પણ ચુંટણી લડશે. આથી સત્તાધારી નવાઝ શરીફના પાર્ટીને ઇમરાનખાન ટક્કર આપશે તેવું માનવામાં આવી રહયું છે. જો કે ઇંમરાનખાન પર એક કરતા વધારે કોર્ટ કેસ ચાલતા હોવાથી જેલમાં રહીને જ ચુંટણી લડવી પડે તેવા સંજોગો ઉભા થયા છે.