કડી–છત્રાલ રોડ પર છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડા, તૂટેલો ડામર અને બેદરકાર જાળવણી આર એન્ડ બી વિભાગની નિષ્ફળતાનો જીવંત પુરાવો બની ગયા છે. વર્ષોથી નાગરિકો, વાહનચાલકો અને વેપારીઓની ફરિયાદો છતાં આર એન્ડ બી વિભાગ ઘોર નિંદ્રામાં હતો, પરંતુ મુખ્યમંત્રીના આગમનની ખબર મળતા જ વિભાગ અચાનક “હરકતમાં” આવી ગયો છે. પ્રશ્ન એ છે કે શું આર એન્ડ બી વિભાગ માટે જનસુવિધા કરતા VIP મુલાકાત વધુ મહત્વની છે?
આ રોડ પર રોજિંદા હજારો વાહનો પસાર થાય છે. બાઈક ચાલકો ખાડામાં પટકાઈ ઈજાગ્રસ્ત થાય, કાર અને ટ્રકના સસ્પેન્શન તૂટે, સ્કૂલ બસો ધીમે ધીમે સાપની જેમ ચાલે – ત્યારે આર એન્ડ બી વિભાગ ક્યાં હતો? નાગરિકો પૂછે છે કે જ્યારે લોકો પરેશાન હતા ત્યારે અધિકારીઓએ રોડનું નિરીક્ષણ કેમ ન કર્યું?મુખ્યમંત્રી આવવાના થોડા સમય પહેલાં જ ખાડા પૂરવાની કામગીરી શરૂ થવી એ સાફ બતાવે છે કે આર એન્ડ બી વિભાગની કામગીરી “ઇવેન્ટ બેઝ્ડ” છે, “પબ્લિક બેઝ્ડ” નથી. લોકોમાં વ્યાપક ચર્ચા છે કે જો મુખ્યમંત્રી આવવાના ના હોત, તો આ રોડ આજેય ખાડાઓથી ભરેલો જ રહેત.
આ જ આર એન્ડ બી વિભાગ વારંવાર બજેટ, ટેન્ડર અને મંજૂરીના બહાના આપે છે, પરંતુ હકીકતમાં નિયમિત મેન્ટેનેન્સના અભાવે રસ્તા મોતના ફંદા બની ગયા છે.આશ્ચર્યની વાત એ છે કે ગણતરીના દિવસો પહેલા મહેસાણા ખાતે ખુદ મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક શબ્દોમાં કહ્યું હતું કે “હું આવું ત્યારે જ કામ ન થાય, દરરોજ કામ થવું જોઈએ.” છતાં કડીમાં જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે તે મુખ્યમંત્રીના શબ્દોને જ ઠોકર મારતું હોય તેવું લાગી રહ્યું છે.
આર એન્ડ બી વિભાગનું આ વર્તન એ સાબિત કરે છે કે ઉપરથી આદેશ આવે ત્યારે જ નીચે કામ થાય છે, અન્યથા જનતાની મુશ્કેલી વિભાગ માટે ગૌણ બાબત બની ગઈ છે.
સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે ખરાબ રોડના કારણે ગ્રાહકો ઓછા થયા, વાહન નુકસાનના ખર્ચ વધ્યા અને સમયસર ડિલિવરી મુશ્કેલ બની. વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે તો આ રસ્તો દૈનિક જોખમ સમાન હતો. છતાં આર એન્ડ બી વિભાગે ક્યારેય ગંભીરતા દાખવી નહીં.હવે જ્યારે ખાડા પૂરાઈ રહ્યા છે ત્યારે પણ લોકો શંકા વ્યક્ત કરે છે કે આ કામગીરી કાયમી છે કે માત્ર ફોટોશૂટ પૂરતી?
નાગરિકો સીધો પ્રશ્ન કરી રહ્યા છે કે ખાડા બન્યા ત્યારે જવાબદાર કોણ?
કરોડો રૂપિયાના રોડ પ્રોજેક્ટ બાદ પણ રસ્તા કેમ ટકતા નથી?
આર એન્ડ બી વિભાગના અધિકારીઓએ ક્યારેય જવાબદારી સ્વીકારી છે?
આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે આર એન્ડ બી વિભાગની કાર્યશૈલીમાં પારદર્શકતા અને જવાબદારીનો અભાવ છે. જો મુખ્યમંત્રીની મુલાકાત વગર રોડ સુધરતો નથી, તો સામાન્ય નાગરિકોની કિંમત શું?
લોકોની માગ છે કે આર એન્ડ બી વિભાગ સામે જવાબદારી નક્કી થાય, માત્ર ખાડા નહીં પરંતુ બેદરકારી પણ “પૂરવામાં” આવે.હાલ તો મુખ્યમંત્રીના આગમનના બહાને કડી–છત્રાલ રોડ પર કામ ચાલી રહ્યું છે,
પરંતુ સવાલ યથાવત છે –મુખ્યમંત્રી ગયા પછી શું ફરી ખાડા આવશે અને આર એન્ડ બી વિભાગ ફરી સુઈ જશે?
