કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં પિતા દ્વારા ટ્રક રિવર્સ લેતી વખતે 19 વર્ષીય પુત્ર ટ્રક નીચે કચડાઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના દેવારામ કુંભારામ ચૌધરી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ટ્રક ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 19 વર્ષીય પુત્ર મુકનારામ પણ પિતાને કામમાં મદદ કરવા તેમની સાથે રહેતો હતો.આ દુર્ઘટના 23 ડિસેમ્બર, 2025ના રોજ સવારે કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં આવેલી ‘ગ્રીનફિલ્ડ ડેરિવેટિવ્ઝ પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીમાં બની હતી. દેવારામ ચૌધરી અને તેમનો પુત્ર મુકનારામ રાજસ્થાનના જેસલમેરથી ટ્રક (નંબર RJ-19-GE-3165) માં માલસામાન ભરીને કંપનીમાં અનલોડિંગ માટે આવ્યા હતા.સવારના આશરે સાત વાગ્યાના સુમારે ટ્રકમાંથી માલ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ટ્રક ચાલક દેવારામભાઈ ટ્રકને રિવર્સ લઈ રહ્યા હતા, જ્યારે તેમનો પુત્ર મુકનારામ ટ્રકને રિવર્સ લેવડાવવા માટે પાછળ ઉભો રહીને સાઈડ આપી રહ્યો હતો.તે દરમિયાન દિવાલ અને અનલોડિંગ સ્ટેન્ડની વચ્ચે એક લોખંડનું સ્ટેન્ડ પડ્યું હતું, જેને ખસેડવા માટે મુકનારામ ગયો. પિતા દેવારામભાઈનું ધ્યાન ન રહેતા તેમણે ટ્રક રિવર્સ લેવાનું ચાલુ રાખ્યું. પળવારમાં જ મુકનારામ દિવાલ અને લોખંડના સ્ટેન્ડની વચ્ચે આવી ગયો અને ટ્રકના પાછળના ભાગે દબાઈ જવાથી તેને શરીરે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પુત્રની બૂમાબૂમ સાંભળી પિતાએ તુરંત ટ્રક રોકી નીચે ઉતરીને જોયું તો પુત્ર લોહીલુહાણ હાલમાં ફસાયેલો હતો.”