કડીમાં “કાંચા રાજ” સામે ખાખી બેઅસર? વહીવટદારોની છત્રછાયામાં વરલી મટકાનો સામ્રાજ્ય બેફામ હોવાની ચર્ચા
અહેવાલો પછી પણ કાર્યવાહી નહીં: કડી પોલીસની ભૂમિકા સામે ઉઠ્યા ગંભીર સવાલો
કડી શહેરમાં ગેરકાયદેસર વરલી મટકાના જુગારને લઈને ફરી એકવાર ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ યાસીન પઠાણ ઉર્ફે “કાંચો” નામનો જુગાર સંચાલક છેલ્લા કેટલાક સમયથી બેફામ બની ગયો હોવાની ચર્ચા છે. સ્થાનિક સ્તરે વારંવાર ઉઠતા આક્ષેપો અને મીડિયા અહેવાલો છતાં કથિત જુગારના અડ્ડાઓ સામે કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
“કડીનો બાપ હું જ છું” જેવી શેખીબાજી ચર્ચાનો વિષય
શહેરમાં લોકો વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે યાસીન ઉર્ફે કાંચો ખુલીને પોતાના પ્રભાવની વાતો કરતો ફરતો હોવાનું કહેવાય છે. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ તેણે જાહેરમાં પોતાનો રોફ જમાવતાં કડીમાં પોતાના સિવાય કોઈનો ધંધો ન ચાલે અને તમામને પૈસા આપતો હોવાનો દાવો કર્યો હતો. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આવી ચર્ચાઓ વચ્ચે પોલીસની નિષ્ક્રિયતા વધુ પ્રશ્નો ઊભા કરી રહી છે.
અહેવાલો બાદ પણ સ્ટેન્ડ યથાવત હોવાના આક્ષેપ
શહેરમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર કડીના વિવિધ વિસ્તારોમાં વરલી મટકાના અનેક સ્ટેન્ડ કાર્યરત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે અનેક વખત ચર્ચાઓ અને અહેવાલો પ્રકાશિત થયા હોવા છતાં કથિત રીતે કોઈ મોટા દરોડા કે કડક કાર્યવાહી સામે આવી નથી. પરિણામે લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે આખરે કાયદાનો ડર કોને છે અને કોને નથી?
વહીવટદારોની “જય-વીરુ જોડી” પર લોકોની આંગળી
કડી પોલીસ સ્ટેશનના કેટલાક વહીવટી તત્વોને લઈને પણ શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસ તંત્રના અમુક લોકોની છત્રછાયામાં જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ ચર્ચાઓના કારણે પોલીસ તંત્રની વિશ્વસનીયતા ઉપર પણ અસર પડી રહી છે.
ગરીબ પરિવારોને વરલી મટકાના જુગારના રવાડે ચડાવવાનો આક્ષેપ
વરલી મટકાના જુગારને લઈને સમાજના જાગૃત વર્ગોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે આવા જુગારના કારણે સામાન્ય અને પછાત વર્ગના પરિવારો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે. રોજનું કમાઈને રોજ ખાતા લોકો પણ ઝડપથી પૈસા કમાવાની લાલચમાં પોતાની મહેનતની કમાણી ગુમાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ખાખીનું નાક કપાય છે છતાં ખાખી મૌન છે?
સામાન્ય લોકો સામે કાયદાની કડકાઈ બતાવતું પોલીસ તંત્ર કથિત રીતે પ્રભાવશાળી ગેરકાયદેસર ધંધાર્થીઓ સામે નરમ વલણ અપનાવી રહ્યું છે એવી લાગણી લોકોમાં ઘર કરી રહી છે. જો ખરેખર શહેરમાં જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા હોય તો પોલીસની જવાબદારી કાર્યવાહી કરવાની છે. પરંતુ કાર્યવાહીનો અભાવ લોકોમાં અનેક શંકાઓને જન્મ આપી રહ્યો છે.
કાંચા સામે કાર્યવાહી થશે કે ચર્ચાઓ જ ચાલતી રહેશે?
શહેરમાં હવે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે આખરે યાસીન પઠાણ ઉર્ફે કાંચા સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે? જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે થતા આક્ષેપો ખોટા હોય તો પોલીસએ ખુલ્લો ખુલાસો કરવો જોઈએ અને જો આક્ષેપોમાં સત્યતા હોય તો કડક કાર્યવાહી કરીને કાયદાનું રાજ સ્થાપિત કરવું જોઈએ.