રથયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. હરિનામ સંકીર્તન, નૃત્ય અને “હરે કૃષ્ણ” મહામંત્રના ગુંજતા સ્વરોથી સમગ્ર વિસ્તાર કૃષ્ણમય બની ગયો હતો. અંદાજે ૧૦૦૦૦ જેટલા ભક્તોએ ભગવાનના રથને દોરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. રથયાત્રા ના સમાપન દરમ્યાન આશરે ૨૫૦૦ જેટલા ભક્તો એ ભગવાન શ્રી જગન્નાથ ના મહા-પ્રસાદ નો લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપનાર તમામ સેવકો, રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ, પોલીસ વિભાગ, નગરપાલિકા, મીડિયા પ્રતિનિધિઓ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ શુભેચ્છકોનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે ઈસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજના પ્રમુખશ્રી સંત જગનમોહન કૃષ્ણ પ્રભુજી દ્વારા કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરી રથયાત્રામાં સહભાગી બની આયોજકોના પ્રયત્નોને બિરદાવ્યા અને સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ હરિનામ સંકીર્તન, રથસેવા તથા પ્રસાદ સેવાનો લાભ લીધો હતો.
આ પ્રસંગે આયોજકોએ પ્રાર્થના વ્યક્ત કરી કે ભગવાન શ્રી જગન્નાથજીની કૃપા સર્વે ભક્તો અને તેમના પરિવાર પર સદાય બની રહે તેમજ સૌ ભક્તિ અને કૃષ્ણભાવનાભાવિત જીવનમાં સતત પ્રગતિ કરતા રહે.
