કડી તાલુકામાં લાકડા ચોરો બેફામ, કડી વન વિભાગ મૌન કેમ?
નંદાસણ-રાજપુર હાઈવે પર લીલાં વૃક્ષોનું કત્લેઆમ અને હેરાફેરી જવાબદાર કોણ?
કડી તાલુકાના નંદાસણથી રાજપુર હાઈવે વિસ્તારમાં રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી લીલાં વૃક્ષોનું બેફામ છેદન અને ગેરકાયદેસર લાકડાની હેરાફેરી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆત બાદ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
આક્ષેપો મુજબ રાત્રે 10 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી લીલા લીમડાના વૃક્ષો સહિત મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો સો મિલોમાં પહોંચાડવામાં આવે છે. જો આ દાવાઓ સાચા હોય તો આ માત્ર લાકડાની ચોરી નથી, પરંતુ પર્યાવરણ સામેનું એક સંગઠિત અપરાધ ગણાય. સૌથી ગંભીર બાબત એ છે કે આ લાકડાના જથ્થા માટે જરૂરી કાનૂની દસ્તાવેજો અને ટ્રાન્ઝિટ પાસની ગેરહાજરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
વન વિભાગ પર પણ અનેક આંગળીઓ ઉઠી રહી છે. પર્યાવરણ અને વૃક્ષોના સંરક્ષણની જવાબદારી જે વિભાગના ખભા પર છે, તે જ વિભાગના કેટલાક જવાબદાર તત્વોની ભૂમિકા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. જો ખરેખર ટ્રાન્ઝિટ પાસ વિના લાકડાનો જથ્થો ખુલ્લેઆમ ફરી રહ્યો હોય, તો પછી વન વિભાગની પેટ્રોલિંગ અને દેખરેખ ક્યાં ગઈ? શું અધિકારીઓની આંખો બંધ છે કે પછી કોઈની રહેમનજર હેઠળ આખો ખેલ ચાલી રહ્યો છે?
સ્થાનિક સો મિલ સંચાલકોની ભૂમિકા પણ તપાસનો વિષય બની છે. આક્ષેપો મુજબ કેટલાક સંચાલકો આર્થિક લાભ માટે નિયમોને નેવે મૂકી સ્ટોક રજિસ્ટરમાં નોંધ કર્યા વિના શંકાસ્પદ લાકડાનો જથ્થો સ્વીકારી રહ્યા છે. જો આ સત્ય હોય તો માત્ર લાકડા ચોરો જ નહીં પરંતુ આવા ગેરકાયદેસર કારોબારને આશરો આપનારાઓ પણ પર્યાવરણના દુશ્મન ગણાવા જોઈએ.
એક તરફ સરકાર કરોડો રૂપિયા ખર્ચીને વૃક્ષારોપણના કાર્યક્રમો ચલાવે છે, જ્યારે બીજી તરફ લીલાં વૃક્ષોનો ખુલ્લેઆમ કત્લેઆમ થતો હોવાના આક્ષેપો સામે આવે છે. આવી સ્થિતિમાં વન વિભાગની નિષ્ક્રિયતા અને મૌન શંકાઓને વધુ બળ આપે છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે વહીવટી તંત્ર આ ગંભીર રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે? શું ગેરકાયદેસર વૃક્ષ છેદન અને લાકડાની હેરાફેરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી થશે કે પછી સમગ્ર મામલો ફાઈલોમાં જ દટાઈ જશે?
પર્યાવરણને નુકસાન પહોંચાડનાર અને સરકારી તિજોરીને નુકસાન કરનાર તત્વો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી થાય તે સમયની માંગ છે. જો તંત્ર હજુ પણ ઊંઘતું રહેશે તો આવનારી પેઢીને લીલાછમ વૃક્ષો નહીં, પરંતુ માત્ર કાપેલા ઠૂંઠા જ વારસામાં મળશે.
