અંડરગ્રાઉન્ડ કેબલના કામમાં રોડ પર ફેંકી દેવાયા વીજપોલ, અકસ્માતની રાહ જોતી તંત્રની નિષ્ક્રિયતા

કડી શહેરને “કેબલ ફ્રી” બનાવવાના નામે ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પ્રોજેક્ટ દરમિયાન યુજીવીસીએલની ગંભીર બેદરકારી હવે લોકોના જીવ માટે જોખમરૂપ બની રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના વીજપોલ કાઢી લેવામાં આવ્યા બાદ તેને યોગ્ય સ્થળે ખસેડવાના બદલે સીધા રોડ પર, માર્ગની બાજુમાં અને કેટલીક જગ્યાએ તો વાહનવ્યવહાર વચ્ચે જ મૂકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
શહેરના માર્ગો પર ગમે ત્યાં ફેંકી દેવાયેલા આ ભારે ભરખમ સિમેન્ટ અને લોખંડના વીજપોલો અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હોવા છતાં જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી બેઠા હોવાનું જોવા મળી રહ્યું છે. લાખો રૂપિયાના પ્રોજેક્ટમાં સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન તો વાહનચાલકો કોઈ રીતે બચી જાય છે, પરંતુ રાત્રિના સમયે અંધારામાં રોડ પર પડેલા વીજપોલ સ્પષ્ટ દેખાતા નથી. જેના કારણે બાઈકચાલકો, સાયકલચાલકો તેમજ અન્ય વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

જો કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય અથવા ગંભીર ઇજા થાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પહેલેથી જ ખોરવાયેલી હોવાના આક્ષેપો વચ્ચે હવે રોડ પર પડેલા વીજપોલોએ વધુ મુશ્કેલી ઉભી કરી છે. અનેક સ્થળોએ માર્ગ સાંકડા બની ગયા છે, વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. તેમ છતાં યુજીવીસીએલના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પ્રોજેક્ટના કામમાં સુરક્ષા ધોરણો અને નિયમોની ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. જ્યાં જોખમી અવરોધ ઉભા કરવામાં આવ્યા છે ત્યાં ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર, બેરિકેડિંગ કે અન્ય કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ જોવા મળતી નથી. પરિણામે લોકોના જીવ સાથે બેદરકારીપૂર્વક ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
શહેરના જાગૃત નાગરિકોનું કહેવું છે કે સરકારી તંત્ર લોકોની સુવિધા માટે કામ કરવાના બદલે હવે લોકો માટે જ જોખમ ઊભું કરી રહ્યું છે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની વાતો વચ્ચે સામાન્ય નાગરિકોની સુરક્ષા તંત્રના એજન્ડામાં જ નથી એવું ચિત્ર ઉભું થયું છે. રોડ પર રઝળતા વીજપોલો વિકાસ નહીં પરંતુ બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયા છે.
શહેરમાં વધી રહેલા રોષ વચ્ચે લોકો માંગ કરી રહ્યા છે કે યુજીવીસીએલ તાત્કાલિક રોડ પરથી તમામ વીજપોલો દૂર કરે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે અને અકસ્માત સર્જાય તે પહેલાં સુરક્ષાના પૂરતા પગલાં ભરે. અન્યથા કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ માત્ર તપાસ અને જવાબદારીના ખેલ જ જોવા મળશે, જ્યારે નિર્દોષ લોકો તેની કિંમત પોતાના જીવથી ચૂકવશે.