સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી ચૂકી છે તેનો જીવતો-જાગતો પુરાવો કડી પોલીસની સદંતર નિષ્ફળ કામગીરી પરથી મળી રહ્યો છે. શહેરમાં વાહન ચોરો બેફામ બન્યા છે અને જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે કડી પોલીસ વાસ્તવિક કામગીરી કરવાને બદલે માત્ર કાગળ પર પોતાની ‘વાહવાહી’ લૂંટવાના સસ્તા નુસખા અપનાવી રહી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.
તાજેતરમાં જ સામે આવેલી વિગતો મુજબ કડી પોલીસ સ્ટેશનની સત્તાવાર પ્રેસ નોટ પર નજર કરીએ તો પોલીસ તંત્ર પોતાની નબળાઈઓ છુપાવવા માટે કેવા હવાતિયાં મારી રહ્યું છે તેનો પર્દાફાશ થાય છે.
આંકડાઓની માયાજાળ: કડી પોલીસ સ્ટેશનની હદમાં ૧૪માંથી માત્ર ૬ ગુના ઉકેલાયા, છતાં કાગળ પર મોટો દેખાવ!
છેલ્લા ૬ મહિનાના ટૂંકા ગાળામાં જ કડી અને આસપાસના વિસ્તારોમાંથી રેકોર્ડબ્રેક ૧૪ જેટલાં વાહનોની ચોરી થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ આંકડો જ દર્શાવે છે કે વાહન ચોરી અટકાવવામાં સ્થાનિક પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ૧૪ ગુનાઓમાંથી પોલીસ કડી ની હદના માંડ ૬ ગુના ઉકેલી શકી છે—એટલે કે અડધા ગુના પણ ઉકેલવામાં પોલીસના ફેફસાં ફૂલી ગયા છે!
આમ છતાં, પોતાની નબળી કામગીરી અને નિષ્ફળતા પર પડદો પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા ભારે હોબાળો મચાવીને મોટી સફળતા મળી હોવાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે. શહેરીજનોમાં ચર્ચા છે કે સામાન્ય જનતાની પરસેવાની કમાણીના વાહનો ચોરાઈ રહ્યા છે અને પોલીસ માત્ર ગણતરીના કેસ ઉકેલીને પોતાની પીઠ થાબડવામાં વ્યસ્ત છે.
સ્પ્લેન્ડર બાઇક ટાર્ગેટ પર: ગેરેજની આડમાં ચાલતો કાળો કારોબાર
પકડાયેલી ટોળકીની મોડસ ઓપરેન્ડી જોતાં સ્પષ્ટ થાય છે કે કડી, નંદાસણ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાંથી ખાસ કરીને ‘સ્પ્લેન્ડર’ બાઇકોને જ નિશાન બનાવવામાં આવતી હતી. વાહન ચોરીની આ ઘટનાઓ પાછળ એક આખું વ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યું હતું:
પુરાવાનો નાશ કરવાનો કારસો:
ચોરેલી બાઇકોને સીધેસીધી વેચવાને બદલે ચોરો તેને સીધા ગેરેજમાં લઈ જતા હતા. ત્યાં બાઇકના તમામ સ્પેર પાર્ટ્સ છૂટા કરી નાખીને વાહન ઓળખી ન શકાય તે રીતે અસલી પુરાવાનો નાશ કરી દેવાતો હતો.
કાયદેસરતાની આડમાં ગેરકાયદે ધંધો:
ગેરેજ સંચાલકો પોતાની કાયદેસરની દુકાનની આડમાં આ ચોરીના સ્પેર પાર્ટ્સ અન્ય નિર્દોષ વાહનચાલકોના વાહનોમાં ફિટ કરી દેતા હતા. આ રીતે કડીની નાક નીચે જ ચોરીના માલનો કાળો કારોબાર ધમધમી રહ્યો હતો અને પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.
જો પોલીસ રાત્રિ પેટ્રોલીંગ અને સ્થાનિક બાતમીદારોના નેટવર્ક પર ખરેખર કામ કરતી હોત, તો આટલા મોટા પાયે વાહનોના કટિંગનું કૌભાંડ આટલા લાંબા સમય સુધી ચાલી શક્યું ન હોત.
જનતામાં ઉગ્ર રોષ: ક્યારે મળશે ગુનાઓમાંથી મુક્તિ?
કડી પોલીસની આ શંકાસ્પદ ભૂમિકા અને ઢીલી નીતિને કારણે ગુનેગારોના હોસલા બુલંદ થઈ ગયા છે. સામાન્ય નાગરિક જ્યારે પોતાનું વાહન ગુમાવે છે ત્યારે તેને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે, અને જ્યારે પોલીસ માંડ થોડાક જ કેસ ઉકેલે છે ત્યારે પોતાની વાહવાહી કરતી પ્રેસ નોટો જાહેર કરીને સંતોષ માની લે છે.શહેરમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, જો પોલીસ ખરેખર સક્રિય હોત તો બાકીના ૮ થી વધુ વાહનો અને તેના માલિકોને ન્યાય મળ્યો હોત. માત્ર ગણતરીના સાગરીતોને પકડી પાડીને સમગ્ર ગુનાખોરી ડામી દીધી હોવાનો દાવો કરવો એ જનતાની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. કડીની જનતા હવે આ નબળી અને દેખાડા પૂરતી કામગીરીથી કંટાળી ચૂકી છે અને સવાલ કરી રહી છે કે—વાસ્તવિક સુરક્ષા ક્યારે મળશે?
