
શ્રી દશામાના પાવન વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે મૂર્તિ વિસર્જન સુચારુ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે હેતુથી કડી નગરપાલિકા તથા રોટરેક્ટ ક્લબ ઓફ કડીના સંયુક્ત ઉપક્રમે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને કડીના થોળ રોડ સ્થિત શ્રી સિંધવાઈ માતાજીના મંદિર ખાતે વિશેષ ‘વિસર્જન કુંડ’ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
સામાન્ય રીતે ઊંડા તળાવો, નદીઓ કે નહેરોમાં મૂર્તિ વિસર્જન કરતી વખતે જાનહાનિનું મોટું જોખમ રહેતું હોય છે. આ ઉપરાંત કુદરતી જળસ્ત્રોતોમાં મૂર્તિઓ પધરાવવાથી પીવાનું પાણી દૂષિત થાય છે અને જળચર જીવો તેમજ પશુ-પક્ષીઓના જીવન પર વિપરીત અસર પડે છે. આ સમસ્યાઓના નિવારણ માટે આ વખતે ખાસ વિસર્જન કુંડનું આયોજન હાથ ધરાયું છે.
