સમાજના સર્વાંગી આરોગ્યકલ્યાણના શુભ સંકલ્પ સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર, ગંજ બજાર, કડીખાતે ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યયજ્ઞમાં કડી શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી ૨૦૦થી વધુ નાગરિકો અને હરિભક્તોએ આરોગ્ય તપાસ, નિષ્ણાત પરામર્શ તેમજ નિઃશુલ્ક દવાઓનો લાભ લીધો હતો.આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના અનુભવી તબીબોએ પોતાની નિઃસ્વાર્થ સેવાઓ અર્પણ કરી હતી. જેમાં ડો. મોનિલ બ્રહ્મભટ્ટ (જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન), ડો. પાવન બારોટ (ગેસ્ટ્રો સર્જન), ડો. ગ્રીષ્મા બ્રહ્મભટ્ટ (પ્રસૂતિ, સ્ત્રીરોગ અને IVF નિષ્ણાત), ડો. હર્ષભાઈ વૈદ્ય (આયુર્વેદ અને નેચરોપેથી નિષ્ણાત)તથા ડો. મિત્રવિંદા ગઢવી (BHMS), હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, કડીદ્વારા દર્દીઓની વિસ્તૃત તપાસ, નિદાન, આરોગ્ય માર્ગદર્શન અને જરૂરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અક્ષય ચૌહાણ, મૌલિકાબેન પટેલ, હેતલબેન મિસ્ત્રી તથા સોનલબેન પટેલ દ્વારા યોગ, પ્રાણાયામ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત નાગરિકોએ ખૂબ જ સરાહ્યું હતું.
આ સમગ્ર સેવા યજ્ઞને શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથીઆયોજનબદ્ધ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો. મહંત સ્વામીશ્રીએ માનવસેવાને ભગવાનની સેવા સમાન ગણાવી સૌને નિરોગી જીવનશૈલી અપનાવવા અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની પ્રેરણા આપી હતી.મંદિરના ટ્રસ્ટીશ્રીઓ તથા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો. તેમજ મંદિરના યુવક-યુવતી મંડળ, હરિભક્તો અને અનેક સ્વયંસેવકોએ નોંધણી, દર્દી માર્ગદર્શન, વ્યવસ્થા, દવાઓના વિતરણ તથા વિવિધ સેવાઓમાં નિઃસ્વાર્થ સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે મહંત સ્વામીશ્રી અને ટ્રસ્ટીશ્રીઓએ તમામ તબીબો, આરોગ્ય કર્મચારીઓ, સેવાભાવી સ્વયંસેવકો તથા ઉપસ્થિત નાગરિકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ સમાજહિતના આવા સેવાકીય કાર્યક્રમો સતત આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ સમાજસેવા, આરોગ્ય જાગૃતિ અને માનવકલ્યાણના ઉત્તમ ઉદાહરણ તરીકે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
