કડી નગરપાલિકાના સત્તાધીશો જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના વ્યસ્ત ગણાતા દેત્રોજ રોડ પર આવેલી સંગીતા સોસાયટીથી લઈને લક્ષ્મીનારાયણ સોસાયટી સુધી ગટરના ઢાંકણાં તૂટી જતાં ગટરો ખુલ્લી હાલતમાં ફેરવાઈ ગઈ છે. રસ્તાની બિલકુલ બાજુમાં આવેલા આ ‘મોતના મોં’ સમાન ખાડાઓથી રહીશો અને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તંત્રની લાપરવાહી: વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય​

સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગટરના ઢાંકણાં તૂટેલી હાલતમાં હોવા અંગે નગરપાલિકામાં એકવાર નહીં પણ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, પાલિકાના એન્જિનિયર કે જવાબદાર અધિકારીઓ આ સમસ્યાનું નિવારણ લાવવામાં કોઈ જ રસ દાખવી રહ્યા નથી.

અરજીઓ જાણે કચરાપેટીમાં જતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.​અકસ્માતનો ભય:

શું પાલિકા કોઈનો જીવ જવાની રાહ જુએ છે?

​દેત્રોજ રોડ પરથી દિવસ-રાત હજારો વાહનો પસાર થાય છે. સંગીતા સોસાયટી અને લક્ષ્મીનારાયણ સોસાયટીના રહીશો, નાના બાળકો અને પશુઓ માટે આ ખુલ્લી ગટરો અત્યંત જોખમી બની છે. જો રાત્રિના અંધારામાં કોઈ વાહનચાલક કે રાહદારી આ ટાંકામાં ખાબકશે અને કોઈ જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોની?

શું નગરપાલિકા ત્યારે જાગશે જ્યારે કોઈનો જીવ જશે?​રહીશોનો આક્રોશ: “અમે ટેક્સ ભરીએ છીએ, સુવિધા ક્યાં?”

રહીશો પૂછી રહ્યા છે કે જો સમયસર ટેક્સ ઉઘરાવવામાં પાલિકા તત્પર રહેતી હોય, તો પ્રાથમિક સુવિધા જેવી કે ગટરના ઢાંકણાં નાખવામાં કેમ આળસ કરવામાં આવે છે? રસ્તા પર ઉભરાતી ગંદકી અને ખુલ્લી ગટરોને કારણે અહીં રહેવું નરક સમાન બની ગયું છે.​સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે નવા ઢાંકણાં નાખી આ ભય દૂર કરે, અન્યથા રહીશો આગામી સમયમાં પાલિકા કચેરીએ હલ્લાબોલ કરવાની તૈયારી કરી રહ્યા છે