પાઇ પાઇ કરીને ભેગા કરેલા રૂપિયાથી ખરીદેલા સપનાના ઘરમાં રહેવું પણ લોકોને મુશ્કેલ થઈ પડ્યું.

કડી શહેરના કરણનગર રોડ પર હાલ એક એવી

પરિસ્થિતિ ઉભી થઈ છે કે જ્યાં કાયદા-નિયમો કાગળ પર જ સીમિત રહી ગયા છે અને જમીન પર બિલ્ડરરાજ બેફામ દોડે છે. પોશ વિસ્તાર ગણાતી ગુલમહોર ગ્રીન્સ સોસાયટીના રહીશો આજે પોતાની જ મિલકતમાં અસુરક્ષિત અનુભવ કરી રહ્યા છે—અને આ સ્થિતિ માટે જવાબદાર છે બાજુમાં ઉભરાતું ઓમકાર ગ્રેવીટીનું બાંધકામ.રહીશોનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે બિલ્ડરે માર્જિન છોડવાનો કાયદો ખુલ્લેઆમ તોડ્યો છે. સોસાયટીની કમ્પાઉન્ડ વોલને અડીને બાંધકામ ઉભું કરી દેવામાં આવ્યું છે—એટલે કે રહીશોના ઘરોમાંથી હવા-ઉજાસ છીનવી લેવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે શું કડીમાં હવે નિયમો પૈસાવાળાઓ માટે લાગુ પડતા નથી?

જાન જોખમમાં મૂકી રહ્યા છે આવા બાંધકામ

તાજેતરમાં આવેલા વાવાઝોડા દરમિયાન આ બેદરકારીનું ભયાનક ઉદાહરણ સામે આવ્યું. નવીન બિલ્ડિંગમાંથી ઈંટો તૂટી ને સીધી સોસાયટીના મકાનોમાં પડી. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ શું તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે?આ ઘટના માત્ર અકસ્માત નથી આ બાંધકામની ગુણવત્તા અને સુરક્ષા પર મોટો સવાલ છે.

તંત્ર કેમ ચુપ છે કે પછી બિલ્ડર સાથે સાંઠગાંઠ છે ?

રહીશો કહે છે કે તેમણે નગરપાલિકા થી લઈને મામલતદાર સુધી દરેક દરવાજે ઠોકર મારી છે. છતાં પરિણામ? શૂન્ય.

શું તંત્રને આ ગેરકાયદેસર બાંધકામ દેખાતું નથી? કે પછી રાજકીય દબાણ સામે તંત્ર ઘૂંટણિયે પડી ગયું છે?

સ્થાનિક લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે—“બિલ્ડર પાસે પૈસા અને રાજકીય પાવર છે, એટલે નિયમો વાંકા થઈ ગયા છે.”સોસાયટીની મહિલાઓ આવી મેદાનમાં

હવે આરપારની લડાઈસોસાયટીની મહિલાઓએ હવે સ્પષ્ટ કહી દીધું છે: “હવે સહન નહીં કરીએ!”જો તંત્ર આંખ નહીં ખોલે તો તેઓ સીધા બાંધકામ સાઇટમાં જ ભૂખ હડતાળ શરૂ કરશે.આ માત્ર ચીમકી નથી—આ છે દબાયેલા અવાજનો વિસ્ફોટ.

કાયદો શું કહે છે નિયમો સ્પષ્ટ કહે છે:માર્જિન ફરજિયાત છે.

પડોશીને નુકસાન થાય તેવું બાંધકામ ગુનો છે સુરક્ષા ધોરણોનું પાલન જરૂરી છે.

પણ કડીમાં લાગે છે કે કાયદો માત્ર નબળા લોકો માટે જ છે!

આ સમગ્ર મામલે બિલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બિલ્ડર મળ્યા નહીં. સળગતો સવાલ કડીમાં ચાલી રહેલું આ બાંધકામ માત્ર એક વિવાદ નથી આ છે સિસ્ટમની નિષ્ફળતા, આ છે તંત્રની નિષ્ક્રિયતા, અને આ છે સામાન્ય નાગરિકના હકો પર સીધો હુમલો.જો આજે આ અવાજ દબાઈ જશે, તો કાલે કોઈ પણ સોસાયટીની દીવાલ સાથે આવી જ બેદરકારી ઉભી થઈ શકે છે.

અંત..

કડીના કરણનગર રોડ પર હાલ એક જ પ્રશ્ન ગૂંજી રહ્યો છે“અહીં કાયદો ચાલે છે કે બિલ્ડર?”હવે જોવાનું એ રહેશે કે તંત્ર ઊંઘમાંથી જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ કાર્યવાહી થશે.