Gujarat Politics News : ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપને રામરામ કર્યા છે ત્યારે હજુ આપમાંથી કેટલી વિકેટ ખરે છે તે અંગે રાજકીય અટકળો વહેતી થઇ છે. દરમિયાન, આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષપલટા માટે તૈયારી દર્શાવી કહ્યું કે, જો સરકાર ગુજરાતના ખેડૂતોનું દેવુ માફ કરે તો હું ભાજપમાં આવવા તૈયાર છું.  આપના ધારાસભ્ય હેમંત ખવાએ પણ પક્ષપલટો કરવાની અફવાને નકારી કહ્યું કે, જેલમાં જઇશું પણ રાજીનામુ નહી આપીએ. મતદારોનો વિશ્વાસ અકબંધ રાખીશું. આ તરફ, વિધાનસભા આપના દંડક અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એવો આક્ષેપ કર્યો કે, ગુજરાતમાં ભાજપ ડરની રાજનીતિ કરી રહી છે. મારી અને મારા પરિવારની રેકી થઇ રહી છે. ભાજપ ગમે તેટલાં હથકંડા અજમાવે પણ હું આપમાં જ રહીશ. હું જ નહીં, આપના બધાય ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયારી છીએ, પણ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર બંધ કરે અને દિલ્હીની જેમ શાળા-કોલેજોમાં ટોપનું શિક્ષણ આપવામાં આવે.

ઉમેશ મકવાણાએ સીએમને રજૂઆત કરી હતી

દરમિયાન, ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી હતી કે, મે આવક-સંપતિની તપાસ કરવા મારી સામે એસીબીની તપાસ કરવા માંગ કરી હતી. આ વાતને આજે પંદરેક દિવસ વિત્યા છે. હજુ સુધી સરકારે મારી વિરૂદ્ધ તપાસ સોંપી નથી. સરકારને મારી આવક- સંપતિની તપાસ કરવામાં કેમ રસ નથી? આ ઉપરાંત અન્ય ધારાસભ્ય, IAS-IPSની પણ આવક-સંપતિની તપાસ કરવી જોઈએ. ધારાસભ્ય મકવાણા ગુરૂવારે પોતાની આવક-સંપતિની વિગતો સાથે એફિડેવિટ જાહેર કરશે. જે બોટાદના મતદાર સહિત કોઇપણ વ્યક્તિ જોઇ શકશે.