મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગટર લાઇનની સમસ્યાના ઉકેલના નામે હવે એક નવા કૌભાંડની ગંધ ફેલાઈ રહી છે. શહેરના તીર્થ ફ્લેટ વિસ્તારમાં કડી પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ગટરમાં પંપ ઉતારી પાણી કાઢવાનું કામ ચાલતું હતું, પરંતુ આ કામગીરી માટે કાયદેસર વીજ કનેક્શન લેવાના બદલે સીધી વીજચોરી કરવામાં આવતી હોવાની ઘટના બહાર આવતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે.મળતી માહિતી મુજબ, જીઈબી (UGVCL) ની પેનલની બાજુમાં જ એક ખાનગી “પર્સનલ પેનલ” ઉભી કરીને ત્યાંથી ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો લઈ ગટરમાં પંપ ચલાવવામાં આવી રહ્યો હતો. આ પેનલ કાયદેસર હતી કે નહીં? મંજૂરી કોણે આપી? અને સરકારી કામ માટે ચોરીની વીજળી કેમ વપરાઈ? એવા અનેક સવાલો ઊભા થયા છે.
જાગૃત નાગરિકની ફરિયાદ બાદ મિનિટોમાં પુરાવા ગાયબ
સ્થાનિક જાગૃત નાગરિકે કડી UGVCL કચેરીમાં હાજર ડેપ્યુટી ઇજનેરને સીધી ફરિયાદ કરતાં જ આશ્ચર્યજનક રીતે ગણતરીની મિનિટોમાં જ કોન્ટ્રાકટરે જીઈબીની બાજુમાં મૂકાયેલી ખાનગી પેનલ વીજ સપ્લાઈ કેમ બંધ કર્યા ઘટનાએ વધુ શંકા ઊભી કરી છે કે જો કોઈ ગેરરીતિ નહોતી, તો ફરિયાદ થતાં જ પુરાવા શા માટે દૂર કરાયા? શું પહેલેથી જ કોઈને અંદરની જાણ હતી? શું ફરિયાદ પહોંચતાં જ કોન્ટ્રાકટરને સંકેત આપવામાં આવ્યો?

UGVCLની ટીમ કેમ ન પહોંચી ?
સૌથી ગંભીર મુદ્દો એ છે કે વીજચોરી જેવી ગંભીર ફરિયાદ છતાં UGVCLની કોઈ તપાસ ટીમ, વાહન કે સ્ટાફ સ્થળ પર પહોંચ્યો જ નહોતો. સામાન્ય નાગરિક વીજબીલ મોડું ભરે તો નોટિસ આવે, કનેક્શન કપાઈ જાય, દંડ થાય; પરંતુ અહીં સરકારી કામના નામે ખુલ્લેઆમ વીજચોરીના આક્ષેપ છતાં કાર્યવાહી શૂન્ય કેમ?સ્થાનિકોમાં ચર્ચા છે કે શું આ સમગ્ર મામલામાં UGVCLના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની મૌન સંમતિ હતી? શું કોન્ટ્રાકટર અને વિભાગ વચ્ચે કોઈ ગઠબંધન કાર્યરત છે?પાલિકાનો કોન્ટ્રાકટર કે કાયદાથી ઉપર?કડી પાલિકાના કોન્ટ્રાકટરો વારંવાર વિવાદોમાં આવતા રહ્યા છે. ક્યારેક અધૂરા કામ, ક્યારેક ભ્રષ્ટાચાર, તો હવે વીજચોરીના આક્ષેપ. શહેરવાસીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે શું પાલિકાના કોન્ટ્રાકટર કાયદાથી ઉપર છે? શું ટેન્ડર મળ્યા બાદ તેઓ મનફાવે તેમ ગેરરીતિ કરી શકે?

તપાસ થાય તો મોટા માથાં ફસાય તેવી શક્યતા.
જો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય, ફૂટેજ ચકાસાય, સ્થળના ફોટા-વિડિયો એકત્ર થાય, કચેરીના કોલ રેકોર્ડ તપાસાય અને કોન્ટ્રાકટરના બિલિંગ દસ્તાવેજો ખંગાળાય તો મોટા માથાં ફસાય તેવી શક્યતા નકારી શકાય નહીં.
સ્થાનિકોની માંગ
કડી પાલિકા કોન્ટ્રાકટર સામે FIR નોંધાય
વીજચોરી મામલે UGVCLના જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ થાય
સ્થળની ટેક્નિકલ તપાસ થાય
કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે
જાહેર નાણાંથી થતા કામોમાં પારદર્શિતા લાવવામાં આવે
જ્યાં સામાન્ય માણસ પર કાયદો તૂટી પડે છે, ત્યાં તંત્રના આશીર્વાદથી ચાલતા કોન્ટ્રાકટરો સામે કાયદો મૌન કેમ? કડીમાં ગટર લાઇન કરતાં પણ વધારે ગંભીર ગંદકી હવે સિસ્ટમની અંદર દેખાઈ રહી છે.
