કડીના પી.આઇ વાઘેલાનું ડીજી સ્ક્વોડે નાક વાઢી લીધું: રૂ. 28.35 લાખના દારૂ સાથે નવ લોકોને પકડી પાડ્યા.
પાટણના સદ્દામે ટ્રક ભરીને માલ મંગાવી કડીની GIDC માં મુકાવ્યો હતો.
પોલીસે કુલ 9756 નંગ દારૂની બોટલો કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી.
કડી પોલીસને અંધારામાં રાખીને બુટલેગરોએ સાબિત કર્યું કે પોલીસ તો અમારી સામે કંઈ નથી.
કડી છત્રાલ રોડ પર આવેલી જીઆઇડીસીના પ્લોટ નંબર 11/3 માં આવેલ વિક્ટોરિયા કેરાટીચ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં રેન્જ આઈ જી ની સ્કોર્ડે દરોડો પાડીને કુલ 9756 નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા 28.35 લાખની પકડી પાડીને સ્થાનિક પોલીસના ગાલ પર તમાચો ઝીંક્યો હોય તેવો તાલ સર્જાયો છે. બીજી તરફ બુટલેગરો પણ કડી પોલીસથી જાણે ડરતા જ ન હોય તેમ રાજસ્થાનના ભીમમાંથી દારૂની ટ્રક મંગાવીને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા ઈચ્છુક લોકો માટે માલ લઈ આવ્યા હોવાનું ચર્ચામાં આવ્યું છે. પરંતુ ડીજી સ્ક્વોડે તેમનો ખેલ બગાડી દારૂનો મોટો જથ્થો પકડી પાડીને કડી પોલીસ મથકના પી.આઇ વાઘેલાનું જાણે નાક વાઢી લીધું હોય તેવી ચર્ચા પણ આમ જનતામાં ઉઠી છે.
મહેસાણા તેમજ અમદાવાદ જિલ્લાના દારૂડિયા તત્વોને થર્ટી ફર્સ્ટની મજા કરવા માટે પાટણના કોઈ સદામ નામના વ્યક્તિએ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવીને કડી છત્રાલ માર્ગ પર આવેલી જીઆઇડીસીના વિસ્તારમાં સંગરી રાખ્યો હતો. જે અંગેની બાતમી રેન્જ આઈ જી ના સાયબર ક્રાઇમની ટીમના સુરેન્દ્રસિંહ વિજયસિંહ અને સાબીરખાન હારૂન સિદને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના દરોડામાં જ્યાં દારૂ નો જથ્થો પડ્યો હતો ત્યાંથી નવ જેટલા વ્યક્તિઓ રંગે હાથ પકડાઈ ગયા હતા. જ્યારે અન્ય ફરાર લોકોને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. બીજી તરફ પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ ફોન તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 39.72 લાખનો મુદ્દામાલ કબજે કરીને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તમામ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
*ફાંકા ફોજદારી કરતા કડી પી.આઇ ઊંઘતા ઝડપાઈ ગયા*
કડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી ચોપાટી, મારામારી લૂંટફાટ સહિતના ગુનાઓએ માથું ઊંચક્યું છે. જેના પાછળનું મૂળ કારણ દેશી વિદેશી દારૂનું વેચાણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં પોતાના પોલીસ મથક વિસ્તારમાં ગેરકાનોની પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય તેવી ફાંકા ફોજદારી કરતા પીઆઇ પી એલ વાઘેલાને ઊંઘતા જ રાખીને ગાંધીનગરની ટીમે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડીને કડી પોલીસના ગાલે ભર શિયાળે લપડાક મારી ગરમી લાવી દીધી છે.
જો કડી પોલીસ જાગે છે તો પછી દારૂનો જથ્થો રાતના અંધારામાં પહોંચ્યો કઈ રીતે?
કડી પોલીસ દિવસ રાત જાગીને જનતાની સેવા કરી રહી હોવાની વાતો મોટા ઉપાડે કરવામાં આવે છે તો પછી રાતના અંધારામાં રાજસ્થાનથી ટ્રકમાં ભરીને લવાયેલો માલ કડીની જીઆઇડીસી સુધી કઈ રીતે પહોંચી ગયો? તે પણ એક પ્રશ્ન છે. હવા તો એવી પણ ઊડી છે કે જો કડી પોલીસ જાગતી હોય તો પછી માલ આવે કઈ રીતે? એટલે જીઆઇડીસી સુધી માલ પહોંચવામાં પોલીસની સામે પણ શંકા કુશંકા ઉપજે એમાં કોઈ નવાઈ પણ નથી.
કુલ 12 આરોપી સામે ગુન્હો નોંધાયો જેમાં 9 આરોપી ને ઝડપી પાડવા માં આવ્યા હતા.
ખેમાભાઈ મેસુરભાઈ કોડીયાતર
તથા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો
રાજા મનોજભાઈ ચૌધરી
ચિરાગ જયેશભાઈ વાઘેલા
પલક નિકુલભાઇ પટેલ
જીતેન્દ્ર કુમાર નટવરલાલ સોલંકી
મહેન્દ્રભાઈ બળદેવભાઈ વાઘેલા
જીગ્નેશભાઈ જયેશભાઈ વાઘેલા
અરજણભાઈ બધા ભાઈ વાઘેલા
વાસાભાઈ દેવરાભાઈ કોડીયાતર
વિકાસ મનોજભાઈ ચૌધરી