દશ દિવસ સુધી વિવિધ ધાર્મિક,સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

16 થી 23 ફેબ્રુઆરી સુધી શહેરના કરણનગર રોડ સ્થિત પાલિકાના મેદાનમાં સ્વામીનારાયણ નગર ઉભું કરાશે.

મહોત્સવ નિમિતે કડી નગરમાં શનિવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

ભગવાન સ્વામિનારાયણે પ્રબોધિત જીવન ઉત્કર્ષના જીવંત પ્રતિક સમા મંદિરોએ આજે સમાજને સંસ્કાર અને સદાચારથી નવપલ્લવિત કર્યો છે.સામાજિક, નૈતિક,શૈક્ષણિક અને આધ્યાત્મિક ઉત્કર્ષના અનેકવિધ સેવાકાર્યોની ભાગીરથી વહાવતા બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાના મંદિરોનું સમાજ ઉત્કર્ષ માટે અનન્ય યોગદાન છે.બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર,સેવા અને અધ્યાત્મની ત્રિવેણી સમાન આવા જ એક ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ ૨૫ વર્ષ પૂર્વે કડી નગરને આપી હતી.

પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આર્શીવાદ અને પ્રેરણાથી આ મંદિરનું નવિનિકરણ થતાં નૂતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને રજતજયંતિ મહોત્સવ આગામી 15 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ધામધૂમ પૂર્વક ઉજવાશે.મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત ર૦૮૧ મહા વદ એકાદશીને 24 ફેબ્રુઆરી સોમવારના શુભ દિવસે વૈદિક મંત્રોચ્ચારથી પવિત્ર-દિવ્ય વાતાવરણમાં પરમ પૂજય મહંતસ્વામી મહારાજના કરકમળોથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓની સ્થાપન વિધિ સંસ્થાના સદગુરૂ સંત પ.પૂ.કોઠારીબાપા તથા વરિષ્ઠ સંતોના શુભ હસ્તે સંપન્ન કરાશે.

ત્રણ શિખરો સાથે સજ્જ મંદિરમાં પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી,શ્રી ઘનશ્યામ મહારાજ,શ્રી રાધાકૃષ્ણ ભગવાન શ્રી હનુમાનજી,શ્રી ગણપતિજી અને ગુણાતીત સંત પરંપરાના મનોહર સ્વરૂપો અહીં બિરાજમાન કરાશે.મહોત્સવના પ્રથમ દિવસે 15 ફેબ્રુઆરીએ શનિવારે બપોરે ભવ્ય શોભાયાત્રા નીકળશે.

રવિવારે રાત્રિ સભામાં સંવાદ કફન નાટક,સોમવારે રાતે નિર્મળદાન ગઢવીનો ડાયરો, મંગળવારે રાતે સંવાદ મંદિરમાં પ્રભુ બિરાજે છે. બુધવારે બપોરે મહિલા દીન યોજાશે અને રાતે સંસ્થાના પ્રખર વક્તા પૂજ્ય અપૂર્વમુની સ્વામી ખાસ ઉપસ્થિત રહી મારૂ મંદિર મારૂ ઘર પર વક્તવ્ય આપશે.ગુરૂવારે સંસ્થાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.શુક્રવારે રજતતુલા મહોત્સવ થશે.શનિવારે બે દિવસીય વિશ્ર્વશાંતિ મહાયજ્ઞનો પ્રારંભ કરાશે.અને રાતે સારંગપુરના સંતો દ્વારા સંગીતજ્ઞ ભવ્ય કીર્તન આરાધના કરાશે.રવિવારે બપોરે વિશ્ર્વશાંતિ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે. સોમવાર 24 ફેબ્રુઆરી સવારથી વેદોક્ત મૂર્તિ પ્રતિષ્ઠા વિધી કર્યા બાદ બપોરે મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહની પૂર્ણાહૂતિ કરાશે તેવું કડી મંદિરના સંચાલક સાધુ ઋષિચિંતન સ્વામીએ જણાવ્યું હતું. દશ દિવસીય મહોત્સવને સફળ બનાવવા કડીના હરિભક્તો રાત દિવસ સાધુ ઋષિચિંતન સ્વામીના માર્ગદર્શન હેઠળ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ક્ડીના કરણનગર રોડ સ્થિત મામલતદાર કચેરી પાસે પાલિકાના મેદાનમાં સ્વામીનારાયણ નગર ઉભું કરાશે. કડી મંદિરના રજત જ્યંતિ અને નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શહેરના કરણનગર રોડ સ્થિત મામલતદાર કચેરી પાસે પાલિકાના મેદાનમાં સ્વામીનારાયણ નગર ઉભું કરાશે.જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.નગરમાં પ્રેરક પ્રદર્શન ખંડો છે.બાળનગરી,જ્યોતી ઉધાન,ધ જંગલ ઓફ શેરૂ,રંગબેરંગી ફુલો,પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમા મુકવામાં આવી છે.નગરનું પ્રવેશદ્વાર આકર્ષક અને આબેહૂબ બનાવેલ છે.જે નગર રાતે શહેરીજનો 16 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ખુલ્લું મુકવામાં આવશે.