કડી તાલુકા પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ભાગ્યોદય મલ્ટીસ્પેશિયાલટી હોસ્પિટલના 41 માં વર્ષના પ્રવેશ પ્રસંગે આરોગ્ય સપ્તાહના પ્રારંભે બુધવારે હોસ્પીટલમાં 80 ઉપરાંત લોકોનું કેન્સરનું વિના મૂલ્યે નિદાન કરાયું અને 125 લોકોએ રક્તદાન કર્યું. રક્તદાતાઓના બહોળા પ્રતિસાદને પગલે આગામી સપ્તાહ સુધી રકતદાન કેમ્પ ચાલું રાખવાનું નક્કી કરાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને વખોડી તમામ કર્મીઓએ મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી.

કડી શહેર અને તાલુકા તેમજ આસપાસના વિરમગામ,વઢિયાર પંથકમાં દૂર દૂર આરોગ્યની સેવાનો અભાવ હતો ત્યારે લોકોને આરોગ્યની સુવિધાઓ પુરી પાડવાં પૂજ્ય ડૉંગરેજી મહારાજના આર્શીવાદ થકી કડી તાલુકા પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંદાજીત રૂ. 35 લાખના ખર્ચે માત્ર 82 બેડની ભાગ્યોદય જનરલ હોસ્પિટલની શરૂઆતઆજથી 40 વર્ષ અગાઉ 1985 માં કરાઈ હતી.તે સમયે હોસ્પીટલ માટે રૂ.3 લાખનું માતબર દાન ભાગ્યોદય જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેક્ટરીના માલિક શેઠશ્રી ગિરધારીભાઈ પટેલે આપીને હોસ્પિટલનું નામકરણ ભાગ્યોદય જનરલ હોસ્પિટલ રાખ્યું હતું.શેઠ ગિરધારીભાઈ,સ્વ.વનમાળીદાસ, સ્વ.રતિલાલ મગનલાલ,સ્વ.પોપટલાલ આત્મારામ તથા ભાગ્યોદય જીનીંગ ફેક્ટરીના ભાગીદારોના સહયોગ થકી કડીમાં હોસ્પિટલની શરૂઆત કરાઈ હતી.આજે 425 બેડની ભૌતિક સુવિધાઓથી સુસજ્જ 400 કરોડ ઉપરાંતની મૂલ્ય ધરાવતી હોસ્પિટલ થકી કડીની આજે 300 કરોડના ખર્ચે તૈયાર થનાર મેડીકલ કોલેજની પણ ભેટ મળી છે.

કડી સહિત આસપાસના 300 ઉપરાંત ગામોના લોકો આરોગ્યની સેવાનો લાભ લઈ રહ્યાં છે.વર્ષ દરમિયાન 3 લાખથી વધુ ઓપીડી અને 72 હજારથી વધુ આઈપીડી અને સાત હજારથી વધારે ઓપરેશન થાય છે.પી.એમ.જે.વાય યોજના અંતર્ગત 1620 થી વધારે ક્લસ્ટરમાં ઓપરાશન વિનામૂલ્યે થાય છે.આ શુભ સંયોગો સાથે સતત લોકોની આયોગ્યની ચિંતા કરતી હોસ્પિટલના 41 માં વર્ષની ઊજવણી પ્રસંગે 23 થી 30 એપ્રિલ સુધી આરોગ્ય સપ્તાહ ઉજવવાનું નક્કી કરાયું હતું.સપ્તાહના પ્રારંભે બુધવારે અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરાવી રક્તદાન કેમ્પને ખુલ્લો મુક્યો હતો.અમદાવાદની એસ.સી.જી હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા વિનામૂલ્યે 80 ઉપરાંતના લોકોનું કેન્સરનું નિદાન કરાયું હતું.125 લોકોએ રક્તદાન કર્યું હતું.જો કે રક્તદાનને બહોળો પ્રતિસાદ મળતાં ટ્રસ્ટીઓએ આગામી 30 એપ્રિલ સુધી હોસ્પિટલ ખાતે રક્તદાન કરી શકાશે તેવું ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કરાયું હતું.હોસ્પિટલમાં દવા,એક્સરે,સોનોગ્રાફી, લેબોરેટરી તપાસમાં 20 ટકા ડિસ્કાઉન્ટ અને સમગ્ર બોડી ચેકઅપ 50 ટકાના રાહત દરે નિદાન 300 ઉપરાંત લોકોએ લાભ લીધો.